Ad Code

વાવ પ્રાથમિક શાળામાં ધોરણ 6થી 8 માટે લાઇફ સ્કીલ બાળમેળાનું આયોજન

 

વાવ પ્રાથમિક શાળામાં ધોરણ 6થી 8 માટે લાઇફ સ્કીલ બાળમેળાનું આયોજન

વાવ, નવસારી: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત વિદ્યાર્થીઓમાં જીવનકૌશલ્ય, સર્જનાત્મકતા, સ્વાવલંબન અને વ્યવહારુ જ્ઞાનનો વિકાસ થાય તે હેતુથી વાવ પ્રાથમિક શાળામાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે લાઇફ સ્કીલ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મેળામાં વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં ઉપયોગી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રયોગાત્મક શિક્ષણ આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ફ્યુઝ બાંધવો, સ્ક્રૂ લગાવવો, ખીલ્લી લગાવવી, કુકર બંધ કરવું, ટાયરનું પંચર રિપેર કરવું જેવી વ્યવહારુ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ ઉપરાંત શરીરની સ્વચ્છતા, વ્યસનથી થતા નુકસાન અંગે જાગૃતિ, મહેંદી, રંગોળી તથા વેસ્ટમાંથી બેસ્ટ જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, આરોગ્ય, સર્જનાત્મકતા અને સ્વાવલંબનના ગુણો વિકસે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

શિક્ષકો દ્વારા દરેક પ્રવૃત્તિનું માર્ગદર્શન અને નિદર્શન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને જાતે પ્રવૃત્તિ કરીને શીખવાની તક આપવામાં આવી હતી. વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.

લાઇફ સ્કીલ બાળમેળાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણ પૂરતું મર્યાદિત ન રાખી રોજિંદા જીવનમાં જરૂરી કૌશલ્યો શીખવવા, સમસ્યાઓનો વ્યવહારુ ઉકેલ શોધવાની ક્ષમતા વિકસાવવા અને વિદ્યાર્થીઓને સ્વાવલંબી બનાવવાનો હતો.

વાવ પ્રાથમિક શાળામાં યોજાયેલ આ લાઇફ સ્કીલ બાળમેળો વિદ્યાર્થીઓ માટે આનંદ સાથે શીખવાનો અને જીવનોપયોગી કૌશલ્યો કેળવવાનો મહત્વપૂર્ણ અવસર સાબિત થયો હતો.










Post a Comment

0 Comments

Close Menu