ભારે વરસાદ વચ્ચે ખેરગામના નિચાણવાળા વિસ્તારોમાંથી 80 લોકોનું સુરક્ષિત સ્થળાંતર, વાવ પ્રાથમિક શાળામાં આશ્રયસ્થાન કાર્યરત


ખેરગામ, તા. 1 ઓગસ્ટ 2026: નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને રેડ એલર્ટની સ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર તથા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખેરગામ તાલુકાના નિચાણવાળા અને નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તા. 31 જુલાઈ, 2026 સુધીમાં ગુરુવારે 67 અને શુક્રવારે વધુ 13 મળી કુલ 80 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સ્થળાંતર કરાયેલા લોકોમાં 63 પુખ્ત અને 17 બાળકોનો સમાવેશ થાય છે.


ખેરગામ તાલુકાના કાકડવેરી, પાટી, વાવ, નારણપોર, વડવાડા અને ચીમનપાડા ગામોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હાલની સ્થિતિ મુજબ મોટાભાગના લોકોને તેમના સગા-સંબંધીઓના ઘરે રાખવામાં આવ્યા છે, જ્યારે કેટલાક લોકોને વાવ ગામની પ્રાથમિક શાળામાં બનાવવામાં આવેલા આશ્રયસ્થાનમાં રહેવા અને ભોજન સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, ગ્રામ પંચાયતો અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ મોનિટરિંગ સાથે જરૂરિયાત મુજબ રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.


વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને અનાવશ્યક બહાર ન નીકળવા, નદી-નાળાઓથી દૂર રહેવા તેમજ અધિકૃત સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. કોઈપણ કટોકટીની સ્થિતિમાં સ્થાનિક તંત્રનો તાત્કાલિક સંપર્ક કરવા પણ સૂચના આપવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારપૂર્વક જણાવાયું છે કે ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ સંબંધિત વિભાગો સંપૂર્ણ સતર્ક છે અને નાગરિકોની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.